માયાનગરી મુંબઈમાં વરસાદે આફત સર્જી છે, મુંબઈમાં બુધવારે સવારે પણ વરસાદ પડ્યો જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની મોસમ માત્ર મુંબઈમાં જ ચાલુ નથી પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં તેણે હાહાકાર મચાવ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરના વસઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, ભૂસ્ખલનને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે, જેમાંથી ઘણા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. બીજી તરફ દેશના પહાડી રાજયો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. ઉત્તરાખંડના ચાર ધામ યાત્રાના માર્ગ પર અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓ ફસાયા છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશના કુલુ-મનાલીમાં પણ ભૂસ્ખલન અને ફલેશફલડને કારણે તબાહી સર્જાઇ છે. મુખ્યમાર્ગો અને પુલનું અનેક જગ્યાએ ધોવાણ થતાં લોકો ફસાયા છે. બન્ને પહાડી રાજયોની સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાહત અને બચાવના કામમાં લાગી ગયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અંધેરી, બાંદ્રા જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યારે હવામાન વિભાગે આજે અહીં ભારે વરસાદની ચેતવણી આપી છે. વરસાદની સંભાવના વ્યક્ત કરતાં તેમણે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.
મહારાષ્ટ્રના પાલઘરના વસઈ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ઘરોને નુકસાન થવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવાયા છે. પાલઘરના કલેક્ટરે આ માહિતી આપી છે.ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જૂનથી અત્યાર સુધીમાં 80થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
મુંબઈમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જીવન સંપૂર્ણ થંભી ગયું છે. સતત વરસાદના કારણે અંધેરી સબવે પાણીમાં ડૂબી ગયો છે.


