ગુજરાતમાં છેલ્લા ચોવિસ કલાકમાં વરસાદનું જોર ધીમું પડ્યું હોય તેમ સૌથી વધુ 9 ઇંચ વરસાદ ભરૂચના વાગરામાં નોંધાયો હતો જ્યારે કુલ 209 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં વરસાદ સાર્વત્રિક જેવો હતો. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત તથા કચ્છ ધમરોળાતા રહ્યા હતા. ભરૂચના વાગરામાં 9 ઇંચ ઉપરાંત ભરૂચ શહેરમાં પાંચ ઇંચ તથા અંકલેશ્ર્વરમાં 4 ઇંચ હતો. તાપી જીલ્લાના સોનગઢમાં સાડા પાંચ ઇંચ, વ્યારામાં સાડા પાંચ ઇંચ, ડોલવાનમાં સાડા પાંચ ઇંચ, વાલોદમાં પાંચ ઇંચ વરસાદ અને સુરત જીલ્લાનાં માંડવીમાં સાડા પાંચ ઇંચ તથા મહુવામાં પાંચ, ઉમરપાડામાં 4 તથા સુરતમાં 3 ઇંચ વરસાદ હતો. ડાંગમાં સાર્વત્રિક 4 થી 7 ઇંચ વરસાદ હતો.