મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અવિરત ચાલુ જ રહેતા જનજીવન પ્રભાવિત થવા સાથે પાંચ વ્યક્તિના મોત થયા હતા. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આભ ફાટયુ હતું. છેલ્લા 24 કલાકમાં અહીં 18 ઇંચ વરસાદ ખાબકયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ રાત્રિ દરમ્યાન ધોધમાર 10 ઇંચ વરસાદ વરસતાં અમદાવાદ બાદ રાજકોટ પણ જળમગ્ન થઇ ગયું છે. દ. ગુ.ના વલસાડ જિલ્લાના કપરાડામાં 15 ઇંચ, ધરપમુરમાં 12.5 ઇંચ, ડાંગ જિલ્લાના સાપુતારામાં 11.5 ઇંચ, આહવામાં 10 ઇંચ વરસાદ ઝીંકાયો હતો. વલસાડની ઔરંગા નદીમાં ફરી આવેલા ઘોડાપૂરના પાણી શહેરમાં પ્રવેશી ગયા હતા. અને લોકના ઘરમાં પાંચ થી છ ફૂટ સુધીના પાણી ભરાયા હતા. ધરમપુરમાં ત્રણ યુવાન કાર સાથે તણાયા હતા તો વલસાડમાં એક યુવાન તણાયો હતો. વલસાડ જિલ્લામાં 6510થી વધુ અને નવસારી જિલ્લામાં 6182થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતુ.
નવસારીમાં એક વૃધ્ધા પૂરના પાણીમાં ડૂબી ગઇ હતી. વલસાડમાં પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી અને એનડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યું કરાયા હતા. સુરત જિલ્લાના ઉમરપાડામાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકયો છે.
મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લામાં દેડિયાપાડામાં ધામણખાડી બે કાંઠે વહેતી થઈ હતી. આથી લોકોના ઘરોમાં વરસાદના પાણી પેસી ગયા હતા. સર્વત્ર જળબંબાકારથીં લોકોની અત્યંત કફોડી હાલત બની હતી. દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં 51 જેટલા ગામોમાં વરસાદથી ગરીબ આદિવાસીઓ પ્રભાવિત થયા હતા. કાચા મકાનમાં રહેતા આદિવાસીઓ ની દયનીય હાલત થઈ હતી.18 ઈંચ વરસાદ ખાબકતા કરજણ નદી ગાંડીતૂર બની હતી અને 17 ગામોનો સંપર્ક દેડિયાપાડા સાથે તૂટી ગયો હતો.