જામનગર જિલ્લાનું જોડિયા કે જ્યાં રોજબરોજ કંઈક નવી જ ઘટના જોવા મળતી રહે છે. જેમાં આ વખતે શિક્ષણ સંસ્થાનમાં વિદ્યાર્થીઓને બદલે ઘેટાં બકરા પુરાયેલા જોવા મળે છે, અને વિદ્યાર્થીઓને બદલે ઘેટા બકરાની પાઠશાળા હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.
જોડીયામાં રાજાશાહીના વખતથી ગામની જૂનામાં જૂની શાળા આવેલી છે. જોડિયા ગામના પૂર્વજોએ આજ જુની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું છે.
2001ના વિનાશક ભૂકંપ બાદ સરકાર દ્વારા જૂની નિશાળનું નવેસરથી પુન: નિર્માણ કરાવ્યું હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં જોડિયા તાલુકા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા આ શાળાને તાળાં મારી દેવામાં આવ્યા છે. દરમિયાન બંધ પડેલી પ્રાથમિક શાળા માં ચૂંટણી સમયે મતદાન કેન્દ્ર તરીકે જ માત્ર ઉપયોગ કરાય છે.
જ્યારે બાકીના દિવસોમાં ચોમાસાના સમયગાળા દરમિયાન આસપાસના વિસ્તારના માલધારીઓ પોતાના પશુધનને સાચવવા માટે આ શાળાનો ઉપયોગ કરે છે, અને ચોમાસાની સિઝનમાં જોડિયાની પ્રાથમિક શાળાએ ઘેટા બકરાની પાઠશાળા બની જાય છે.