ધ્રોલ તાલુકાના સણોસરા ગામની સીમમાં આવેલી કંપનીની ઓફિસમાં રાત્રિના સમયે બે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂા.90 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. જામનગરના ગાંધીનગર સ્મશાન રોડ પર આવેલી ખોડિયાર પાર્ટી પ્લોટની ઓફિસમાંથી તસ્કરો દરવાજો તોડી 8500 ની રોકડ ચોરી કરી ગયા હતા અને ઓફિસના સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી ટેકસ નોનવુવન્સ પ્રા.લી. કંપનીની એડમીન ઓફિસમાં રવિવારના રાત્રિના સમયે 20 થી 30 વર્ષની ઉંમરના બે અજાણ્યા તસ્કરોએ ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના બંધ ખાનામાં રાખેલી રૂા.90 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ ચોરીની ઘટના સંદર્ભે વલ્લભભાઈ ગોધાણી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.આર.સવસેટા તથા સ્ટાફે બે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગર શહેરમાં ગાંધીનગર સ્મશાન રોડ પર આવેલા ખોડિયાર પાર્ટી પ્લોટમાં શનિવારની રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ એલ્યુમિનિયમ સેકશન વાળી કાચની બારી તોડી દરવાજાના લોક તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં રાખેલા સીસીટીવીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું તેમજ ઓફિસના ટેબલનું ખાનુ તોડી તેમાંથી રૂા.8500 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ અંગે હરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.