ઉંચા કર ભારણથી બચવા માટે કરદાતાઓ નવા નવા કારસ્તાનો આચરતા જ હોય છે તેવા સમયે ઇન્કમટેકસ ચોરીનો નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે તેમાં રાજકીય પક્ષોને ડોનેશન આપ્યા બાદ 10-20 ટકાનું કમિશન ચૂકવીને બાકીના નાણા પરત લઇ લેવામાં આવતા હોવાની મોડસ ઓપરેન્ડીમાં ખુલાસો થયો છે. ગુજરાતમાં ઇન્કમટેકસે આવા 2000 કરોડના વ્યવહારો પકડીને 4000થી વધુ કરદાતાઓને નોટીસ ફટકારતા ખળભળાટ સર્જાયો છે. આવક વેરા વિભાગ દ્વારા રાજકીય પક્ષોને હિસાબી સરવૈયાઓની ચકાસણી કરી હતી અને ડોનેશન આપનારા લોકોના વ્યવહારો ચકાસવામાં આવ્યા હતા. માત્ર ડોનેશનનું કમિશન લેવાના ઇરાદે જ અમુક પક્ષો રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. દાતાઓ પાસેથી ડોનેશન ઉઘરાવ્યા બાદ 10-20 ટકાનું અગાઉથી નકકી થયા મુજબનું કમિશન મેળવીને બાકીના નાણા પરત કરી દેવામાં આવે છે. અનેક પગારદાર કર્મચારીઓ પણ આ કૃત્ય સામેલ હોવાનું બહાર આવ્યું છે અને આ પ્રકારના કૌભાંડમાં સામેલ 4000થી વધુ કરદાતાઓ હવે મુસીબતમાં મુકાયાના નિર્દેશ છે.