વિશ્વના કોઈપણ વ્યક્તિ માટે પોતાનું એક ઘર હોય તે તેના જીવન નિર્વાહ માટે એક પાયારૂપ પરિબળ છે. ’રોટી, કપડાં ઓર મકાન’એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે. આજના સમયમાં સામાન્ય વ્યક્તિ માટે પોતાનું ‘ઘરનું ઘર’ હોય તે ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. પોતાની માલિકીના ઘરની સાથોસાથ તેની આર્થિક તેમજ સામાજિક સલામતીની વિભાવના પણ જોડાયેલી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં આજે અનેકવિધ સહાય યોજનાઓનો અમલ કરાવવામાં આવ્યો છે. આ અનેકવિધ સહાય યોજનાઓ હેઠળ ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત જામનગર જિલ્લાના અનેક લાભાર્થીઓને પણ લાભાન્વિત કરવામાં આવ્યા છે.
ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ પોતાનું ઘરનું ઘર મેળવનારા જાંબુડા ગામના લાભાર્થી મહેશભાઈ પરમાર જણાવે છે કે અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા. અમારા પરિવારમાં કુલ 4 સભ્યો છે. ચોમાસાની ઋતુમાં સમગ્ર પરિવારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અમારા જુના કાચા મકાનમાં અમને ખુબ સંકડાશ પડતી હતી. ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ અમારું પાકું મકાન મંજુર થતા અમે રૂમ રસોડા તથા શૌચાલય સાથેનું છતવાળું પાકું મકાન બનાવ્યું છે. અમારા નવા મકાનમાં અમારો પરિવાર સારી રીતે રહી શકશે. જે અંતર્ગત અમને સરકાર તરફથી કુલ રૂ. 1.20 લાખની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. અમને પહેલા હપ્તામાં રૂ.20,000ની સહાય મળી હતી. ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’કાર્યક્રમ અંતર્ગત અમને બીજા હપ્તાની રૂ.40,000ની સહાય પ્રાપ્ત થઇ છે. જે માટે અમે સરકારના આભારી છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આજદિન સુધીમાં 1,278 જેટલા લાભાર્થીઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવી છે. જેના કારણે કાચા મકાનોમાં રહેતા જરૂરીયાતમંદ પરિવારોને પોતાની માલિકીનું ઘર મળ્યું છે. સામાજિક-આર્થિક સલામતી સાથે પાકા મકાનની સગવડ ઉભી થતાં તેમના જીવન ધોરણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે.