જમ્મુ-કાશ્મીરમાં શ્રીઅમરનાથની ગુફા નજીક આભ ફાટયું હતું, જેમાં 16 યાત્રાળુઓનાં મોત અને 40 યાત્રાળુઓ ગુમ થયા હતા. જેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અચાનક વાતાવરણ પલટાયું હોવાથી યાત્રાળુઓના 40 જેટલા ટેન્ટ તણાઈ ગયા હતા. આ ઘટનામાં હાલારના 20 થી વધુ લોકો ફસાયા હતાં જે પૈકીના જામનગર અને દ્વારકાના 11 લોકો સલામત હોવાનું જાણવા મળે છે.
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથની ગુફા નજીક આભ ફાટતા અસંખ્ય તંબુ તણાઈ ગયા હતા. આઈટીબીપીના પીઆરઓ વિવેક પાંડેયના અહેવાલોમાં લોઅર હોલી કેવ નજીક જ્યાં આ ઘટના બની છે ત્યાં 80થી 100 તંબુ હતા. આભ ફાટતા પાણીની ઝપટમાં લગભગ 40 થી 50 તંબુ તણાઈ ગયા હોવાની શક્યતા વ્યક્ત થઈ છે. સીઆરપીએફ, આઈટીબીપી અને એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. યાત્રાળુઓના પરિવારજનોને માહિતી મળે તે માટે જમ્મુ-કાશ્મીર પોલીસ હેલ્પલાઈન શરૂ કરી દેવામાં આવી છે.
એનડીઆરએફના ડીજીએ કહ્યું હતું કે મૃત્યુઆંક વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. બચાવ કામગીરી શરૂ થઈ ગઈ છે, પરંતુ વાતાવરણ હજુ પણ ખરાબ હોવાથી બચાવ કામગીરી બંધ રાખવી પડી રહી છે. આઈટીબીપીના નિવેદનમાં કહેવાયું હતું કે વાતાવરણ અચાનક પલટાઈ જતાં યાત્રાળુઓને એ સ્થળ છોડીને અન્ય સતામત સ્થળે જવાની સૂચના અપાઈ હતી, પરંતુ યાત્રાળુઓ જગ્યા છોડે તે પહેલાં જ ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
અમરનાથ યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. રસ્તામાં વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગર – દ્વારકા જિલ્લાના 20 ભાવિકો પણ છે.
સંગમ ઘાટી ખાતે રાત્રી રોકાણ કરનારા જામનગરના પંચેશ્વર ટાવર પાસે ડ્રેસિસની દુકાન ચલાવતા વેપારી દીપકભાઈ વિઠ્ઠલાણી અને તેમના પત્ની જાગૃતિબેન શુક્રવારે સવારે બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતા અને સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાં જ વાદળ ફાટ્યું હોવાના સમાચાર મળતા યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી.
સંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે. જામનગરના તેજસસિંહ જાડેજા સહિતના અન્ય 9 યાત્રિઓ પણ સલામત હોવાનું જાણવા મળે છે અને આ અમરનાથ યાત્રામાં હાલારના કુલ 20 યાત્રિકો ફસાયા છે.