જામનગર તાલુકાના સીક્કામાં પંચવટી સોસાયટી પાછળના વિસ્તારમાં રહેતાં ઈલેકટ્રીક એન્જીનિયર યુવાને તેની ડિગ્રીના પ્રમાણમાં નોકરી ન મળતા બેકારીથી કંટાળી તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં ઓમીની સ્કૂલ પાસે રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા જયેશભાઇ મગનભાઈ રાવલ નામના કર્મચારીનો પુત્ર ધવલ રાવલ (ઉ.વ.25) નામના યુવાને ઈલેકટ્રીક એન્જીનિયરીંગની ડિગ્રી મેળવી હતી. પરંતુ આ ડિગ્રી પ્રમાણેની નોકરી મળતી ન હોવાથી સતત ચિંતામાં રહેતો હતો અને નોકરી ન મળવાના કારણે બેકાર રહેલા સ્નાતક યુવાને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પિતા જયેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.