હવામાન વિભાગ દ્વારા આગામી તા. 9 અને 10ના રોજ જામનગરમાં ભારે વરસાદની આગાહીના લીધે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે જામનગર શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરવા જામનગર એનએસયુઆઇ તથા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આવતીકાલ તા. 9 અને 10 જૂલાઇના રોજ જામનગરમાં ભારે વરસાદની આગાહીના લીધે રેડઅલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે પણ જામનગર શહેરમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. ત્યારે આગામી બે દિવસ ફરી વખત રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આવતીકાલે 1 દિવસની તમામ શાળાઓમાં રજા જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. ગઇકાલે કાલાવડ ખાતે વિદ્યાર્થીઓની એક સ્કૂલ બસ પાણીના પૂરમાં તણાઇ હતી. ત્યારે તંત્ર દ્વારા રેડએલર્ટ જાહેર કરાયું હોય અગમચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓના હિતમાં એક દિવસની રજા જાહેર કરવા આ આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. તેમજ ટિવટર દ્વારા કલેકટરને પણ રજૂઆત કરાઇ છે.
જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉ. તૌસિફખાન પઠાણ, જામનગર ઉત્તર યુવક કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ જેઠવા, એનએસયુઆઇ જામનગર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતના એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના હોદેદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.