જામનગરમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન બ્રાસ અને સ્ક્રેપનો વ્યવસાય કરતી પેઢીમાંથી 19 પેઢીઓ સાથે 62 કરોડની ખરીદીના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું ખુલતા પેઢીના સંચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જીએસટી વિભાગે રાજયભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ તેમાં મોટા પાયે બોગસ પેઢીઓ સાથે વ્યવહારો કરી કરોડોની કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. 56 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. બોગસ બિલો થકી આશરે રૂા. 48.14 કરોડની ખોટી વેરા શાખ લેવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. અનેક કેસોમાં વસુલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ખોટી રીતે વે2ા શાખા લેવાઈ હોવાનો આંક હજુ તપાસમાં ઉંચો જાય તેવી શકયતા છે.
સ્ટેટ જીએસટીનાં સુત્રોએ જણાંવ્યુ હતું કે, જામનગરની બ્રાસ – સ્ક્રેપનો વ્યવસાય કરતી વૈભવ ઈન્ડસ્ટ્રીઝમાં તપાસ દરમિયાન 19 જેટલી બોગસ પેઢીઓ સાથે આશરે રૂા. 62.78 કરોડનાં ખરીદીનાં કરોડોનાં વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ છે. આ બોગસ વ્યવહારો પર આશરે રૂા. 11.30 કરોડની ખોટી વેરા શાખ લેવાઈ હોવાનું તપાસમાં ખુલતા જામનગરની આ પેઢીનાં માલિક યોગેશભાઈ નગીનદાસ વોરાની જીએસટી એકટની કલમ 69 હેઠળ આજે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને જામનગરની કોર્ટમાં રજુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.