જામનગર શહેરમાં મોરકંડા રોડ પર સનસીટીમાં રહેતાં યુવાનના ભાણેજ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન ઉપર તલવાર અને ધોકા વડે તથા તેના ભાણેજ અને બહેન ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર નજીક મોરકંડા રોડ પર આવેલ સનસીટી-1 ની સામે રાજ સોસાયટીમાં રહેતાં હાજી હુશેન ભટ્ટી નામના યુવકના ભાણેજ તૌફિક સાથે ગુલમામદના દિકરાને થયેલા ઝઘડાનો ખાર રાખી બુધવારે મધ્યરાત્રિના સમયે ગુલમામદ, મહમદ, રિયાઝ અને અકરમ સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી હાજીહુશેનના ઘર પાસે જઈ અપશબ્દો બોલી હાજીના ભાણેજને ફડાકા માર્યા હતાં તેમજ હાજીની બહેન નફીસાબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ઉપરાંત હાજીહુશેનને તલવાર અને ધોકા વડે માર માર્યો હતો. હુમલાના બનાવમાં ઘવાયેલા બે વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતાં પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ઘવાયેલા હાજીહુશેનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.