108 ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીઓને ઇમર્જન્સીમાં પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને સાથે-સાથે દર્દી પાસે રહેલ રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યાં છે.
હાલમાં આવો જ એક કીસ્સો જામનગર શહેરમાં પણ બન્યો છે. જેમાં જામનગર શહેરના સુપર માર્કેટ, બેડી ગેઈટ પાસે જેન્તીભાઈ વાલજીભાઈ ચાવડા નામના ૭૩ વર્ષીય નાગરિક પોતાનુ બેંકનુ કામકાજ પુર્ણ કરી ઘરે જવા નિકળ્યા હતા જ્યાં રસ્તામાં તેમને બ્લડ પ્રેસર ઘટી જવાથી ચક્કર આવતા તેઓ બેભાન થઈ ઢળી પડયા હતા. દરમિયાન સ્થળ પર ઉપસ્થિત કોઈ શહેરીએ મદદ માટે 108ને જાણ કરી હતી જેથી તાત્કાલીક ઈ.એમ.ટી. અમિનભાઈ દલ તથા પાઈલોટ ગજેન્દ્રસિંહ જાડેજા ઘટના સ્થળે પંહોચ્યા હતા અને જેન્તીભાઇને જી.જી.હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. દરમિયાન દર્દી જેન્તીભાઈ પાસેથી ૫૫ હજારની રોકડ રકમ તેમજ પાસબુક 108ના કર્મીઓને મળી હતી જે જી.જી.હોસ્પિટલના સી.એમ.ઓ. ડો.પ્રવિણની હાજરીમા દર્દીના સંબંધીઓને પરત કરી 108 ના સંનિષ્ઠ કર્મીઓએ માનવતાના દર્શન કરાવ્યા હતા. આ તમામ કિંમતી સામાન પરત મળતા તેમના પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે 108 ના પ્રોજેક્ટ મેનેજર બિપિન ભેટારીયાએ 108 ની ટીમને બિરદાવી હતી.