આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ 15 દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સહિતના કાર્યક્રમનો જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાએ જામનગર તાલુકાના ધૂળસીયા ખાતેથી રથને પ્રસ્થાન કરાવી જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય સરકારની 20 વર્ષની ઉપલબ્ધિઓ વર્ણવતા જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે સરકારે 1100 કી.મી.ના પાઇપલાઇન નેટવર્કથી સમગ્ર રાજ્યમાં પાણીની સમસ્યા દૂર કરી છે. ડેમો, તળાવો, ચેકડેમો, નહેરો તેમજ સૌની યોજના વડે સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળી છે. શિક્ષણ, રોડ-રસ્તા, આધુનિક બાંધકામ, સુદ્રઢ આરોગ્યલક્ષી યોજનાઓ વડે આજે જન સુખાકારીમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેલ્લા 20 વર્ષમાં લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. કલ્યાણકારી યોજનાઓ થકી જનજન સુધી પહોંચી સરકારે છેવાડાના માનવીની ચિંતા કરી છે.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઓરિયા-ધોરીયા પાઇપલાઇન સનદ વિતરણ, વ્હાલી દિકરી યોજના, ઝૂંપડપટ્ટી વિસ્તારના લાભાર્થીઓને વીજ જોડાણના પ્રમાણપત્ર, કુવરબાઈનુ મામેરુ યોજનાના લાભો, કેરોસીન મુક્ત જાહેર કરાયેલ ગામોના સરપંચઓનું સન્માન, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 હેઠળ વિના મૂલ્ય એલ.પી.જી. કનેક્શન સહિતના લાભો એનાયત કરાયા હતા તેમજ પસાયા ખાતે દલિતવાસમાં સી.સી. રોડના કામ, પસાયા ખાતે પેવર બ્લોકનું કામ, તથા જુના મોડા ખાતે સ્મશાન છાપરી બનાવવાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ સરકારના વિવિધ વિભાગોની સિદ્ધિઓ દર્શાવતી ફિલ્મ તથા વંદે ગુજરાત વિકાસ યાત્રા અંગેની ફિલ્મનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે શાબ્દિક સ્વાગત કરી સૌ કોઈને આવકાર્યા હતા.
કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન રાઠોડે કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષભાઈ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, કારોબારી સમિતિ ચેરમેન ભરતભાઇ બોરસદીયા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અધિક કલેકટર મિતેષ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન રાઠોડ, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, દિલીપભાઈ ભોજાણી તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.