જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન મિલ તરફના રેલવેના નવા ઓવરબ્રિજ કે જેને તાજેતરમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓવરબ્રિજ નામ અપાયું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે સવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શહેરની એકાદ લાખ જેટલી વસ્તીને અસર કરતા એવા ડો. બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજને ખુલ્લો મુકતાની સાથે જ તેના પરથી વાહનચાલકો પસાર થયા હતા અને નવા બ્રીજનો આખરે પ્રારંભ થઈ જતાં સ્થાનિક વિસ્તારના લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.
નવા બ્રિજનું ઇ-લોકાર્પણ થયા પછી શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદમાં પણ અનેક વાહન ચાલકો નવા બ્રિજ પરથી ઉત્સાહભેર પસાર થયા હતા. જામનગર શહેર હવે ખરેખર ફાટક મુક્ત બની રહ્યું છે અને જામનગર શહેરમાં ગુલાબનગર, સમર્પણ ઓવર બ્રિજ, બેડી ઓવરબ્રિજ અને ત્યારપછીનો આ ચોથો ઓવરબ્રિજ નિર્માણ પામ્યો છે. ઉપરાંત એક અંડર બ્રિજનું પણ નિર્માણ થયું છે.
જામનગર શહેરની મધ્યમાં આવેલા તમામ રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજનું નિર્માણ થઈ ગયું હોવાથી જામનગર શહેર આજે ફાટક મુક્ત બન્યું છે.