ખંભાળિયા- સલાયા માર્ગ પર ગઈકાલે બપોરે ડીઝલ ભરેલું એક ટેન્કર પલ્ટી જવાનો બનાવ બન્યો હતો. જો કે આ અકસ્માતમાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.
આ બનાવ અંગે ફાયર વિભાગ દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા- સલાયા માર્ગ પર અત્રેથી આશરે દસેક કિલોમીટર દૂર તાલુકાના કુબેર વિસોત્રી ગામ પાસે મંગળવારે બપોરે આશરે દોઢેક વાગ્યે ડીઝલ ભરીને જઈ રહેલા એક ટેન્કરના ચાલકે પોતાના વાહનના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડની એક તરફ ઉતરીને પલટી ખાઈ ગયું હતું. અકસ્માતના આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ ન હોવાથી સૌ એ રાહતનો દમ ખેંચ્યો હતો.