જામનગર શહેરમાં વ્હોરાના હજીરા પાસે દરોડો પાડી 647 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ અને 144 નંગ બિયરના ટીન અને છોટા હાથી સહિત એક શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા બે નામચીન શખ્સોની સંડોવણી ખુલ્લી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફના નટવર કાગળિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે શહેરના વ્હોરાના હજીરા પાસે નાગેશ્ર્વર રોડ પર વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલા છોટા હાથીને આંતરી લઈ અંદર તલાસી લીધી હતી. દરમિયાન છોટાહાથીમાં સંતાડવામાં આવેલો 647 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો તેમજ 144 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો તેમજ છોટા હાથી સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને છોટા હાથીના ચાલક દિનેશ શશીકાંત વજાણી નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતાં ઉપરોક્ત દારૂનો જથ્થો મંગાવવામાં જામનગરના નામચીન શખ્સ ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક તેમજ સંજય ઉર્ફે શકાના નામો ખુલ્યા હતા. જે બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.