જામનગર જિલ્લાના મેઘપર નજીકથી દારૂ સાથે નીકળેલા એક કારચાલકનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાતા કાર ચાલકે એકાએક યું-ટર્ન મારીને ભાગવા જતાં એક ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં વાહનમાં નુકસાન અને કારચાલક તેનો પગ ભાંગ્યો હતો. જેથી પોલીસે દારૂ સાથેની કાર કબ્જે કરી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ દરોડાની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને મૂળ ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામનો વતની કિસન ભરત મસુરા નામનો શખ્સ કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને નીકળી રહ્યો હોવાની હેકો જશપાલસિંહ જેઠવા, ભગીરથસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, લાખનસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મેઘપરના પાટીયા પાસે પીએસઆઈ વાય.બી. રાણા, હેકો જશપાલસિંહ જેઠવા, ભગીરથસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, લાખસિંહ જાડેજા, પો.કો. મહેશભાઈ જોગલ, કરશન ગાગીયા, કમલેશ ગોજિયા, રવિભાઈ આંબરિયા, ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી. દરમિયાન કારચાલક કિશન ગઢવી ત્યાંથી પસાર થતાં મેઘપર પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારચાલક ઉભો રહ્યો ન હતો અને તેણે પોતાની કાર હંકારી દીધી હતી. જેથી મેઘપર પોલીસે સરકારી જીપમાં દોઢ કિલોમીટર સુધી પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન કિશન ગઢવીએ પોતાની કારને એકાએક યું-ટર્ન મારી પોલીસથી બચવા માટે ભાગવાની કોશિશ કરતાં સામેથી આવી રહેલા એક ટ્રક સાથે ટકરાઈ ગયો હતો અને તેના વાહનમાં નુકસાન થયું હતું. એટલું જ માત્ર અહીં તેનો પગ ભાંગતા ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી. જેથી પોલીસ દ્વારા તેને તાત્કાલિક અસરથી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત થયેલી કાર અને 53 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કરી લીધો છે.