Friday, January 10, 2025
Homeરાજ્યખંભાળિયા તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

ખંભાળિયા તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

ભાણવડમાં બે અને કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ : સવારથી ઉઘાડ નીકળતા રાહત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે દિવસ દરમ્યાન હળવા ઝાપટા બાદ મધરાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ખંભાળિયા પંથકમાં મુશળધાર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડમાં પણ બે ઇંચ અને કલ્યાણપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો છે.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં રવિવારના વિરામ બાદ ગઈકાલે સોમવારે હળવા ઝાપટા રૂપે દિવસ દરમિયાન 9 મીલીમીટર વરસાદ વરસ્યો હતો. જોકે બફારા અને વરસાદી પરિસ્થિતિ વચ્ચે રાત્રિના આશરે ત્રણેક વાગ્યે મુશળધાર વરસાદ ચાલુ થયો હતો. જે આશરે દોઢેક કલાકના સમયગાળા દરમિયાન 80 મીલીમીટર વરસી ગયો હતો. આમ, 24 કલાકના સમયગાળા દરમિયાન ખંભાળિયા તાલુકામાં 89 મિલીમીટર વરસાદ વરસી ગયો છે. આ સાથે ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ વરસાદ 384 મીલીમીટર થયો છે.

ગત રાત્રિના ધોધમાર વરસાદના પગલે શહેરમાં ખાડાઓ સાથેના માર્ગો ચોખ્ખા ચણક થઈ ગયા હતા અને ગંદકી ધોવાઈને વહી ગઈ હતી. આ વચ્ચે આજે સવારથી ગરમી ભર્યા માહોલ વચ્ચે ઉઘાડ થતાં સૂર્યનારાયણના દર્શન થયા હતા. જેથી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. ખંભાળિયા તાલુકામાં સાર્વત્રિક ત્રણેક ઇંચ વરસાદથી ખેતરોમાં ઊભા મોલને નોંધપાત્ર ફાયદો થયો છે.

- Advertisement -

ભાણવડ તાલુકામાં ગઈકાલે બપોરના 14 મીલીમીટર વરસાદ બાદ રાત્રિના પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન ભાણવડમાં 53 મિલિમિટર સાથે મોસમનો કુલ વરસાદ 174 મિલીમીટર થવા પામ્યો છે.
કલ્યાણપુર તાલુકામાં પણ હળવી મેઘવૃષ્ટિ હતી અને 24 કલાકના સમયગાળા દરમિયાન કુલ 38 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જો કે દ્વારકા પંથકમાં મેઘરાજાએ જાણે આળસ કરી હોય તેમ આજે સવારે 6 વાગ્યા સુધીમાં માત્ર બે મીલીમીટર વરસાદ વરસ્યો હતો. આમ, જિલ્લામાં અનેક નાના જળસ્રોતો છલકાઈ જતા હાલ પાક, પાણીનું ચિત્ર હાલ ઉજળું દેખાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular