રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સી.બી.સી. મશીનનું લોકાર્પણ કર્યું હતું. લોહી પરીક્ષણનું આ મશીન રૂ.3 લાખના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં કુલ ૩૯ સી.બી. સી. મશીનો વિકસાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોહી પરીક્ષણનું મશીન આવવાથી ગામના દર્દીઓને અન્ય જગ્યાએ જવું નહિ પડે તેમજ ઘર આંગણે વિનામૂલ્યે તાત્કાલિક સારવાર પણ થઈ શકશે. ગામડાના લોકો સુધી સરકાર દ્વારા આરોગ્યલક્ષી તેમજ અન્ય સુવિધાઓ પહોંચાડવા માટેના સતત પ્રયાસો કરવામાં આવે છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓનો લાભ પહોંચે તે સરકારની પહેલી પ્રાથમિકતા છે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રિકાબેન, સરપંચ ડો. મકવાણા, ટી.એચ.ઓ સોમૈયાભાઈ, સી. એચ. ઓ., આશાવર્કરો, અધિકારીઓ, આગેવાનો, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.