જામનગર-રાજકોટ-જુનાગઢ ત્રણ જિલ્લાને જોડતો અતિ મહત્વનો મુખ્યમાર્ગ જામનગરથી કાલાવડ અને કાલાવડથી ધોરાજી રાજ્યધોરી માર્ગ અસ્તિત્વમાં છે. આ રસ્તો ખૂબ જ મહત્વનો અને ટ્રાફિકવાળો રસ્તો હોવાથી આ રસ્તાને નેશનલ હાઇવે તરીકે મંજૂર કરાવવા અવાર-નવાર રજૂઆતો મળતી હતી જેમાં ધોરાજી થી કંડોરણા પાર્ટ-1નું કામ અગાઉ મંજૂર થયું છે.
જ્યારે જામનગરથી કાલાવડ સુધીના નેશનલ હાઇવે તરીકેના રસ્તાનું કામ મંજૂર થવાનું બાકી હતું. આ રસ્તા માટે જામનગર જિલ્લાની દિશા મિટિંગમાં સમીક્ષા કરતા આ રોડના કામે ડીપીઆર પ્રોસેસની તથા જમીન સંપાદનની કામગીરી બાકી હોવાની અને ગ્રાન્ટ ફાળવવાની બાકી હોવાની વિગતો રજૂ થતા, સાંસદ પૂનમબેન માડમએ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને ભારપૂર્વક રજૂઆત કરતાં જામનગર-કાલાવડ રસ્તાને નેશનલ હાઇવે તરીકેની મંજૂરી મળતા હવે ટૂંકસમયમાં રૂા. 250 કરોડના ખર્ચે આ રસ્તો ફોરલેન બનશે. રસ્તો ફોરલેન કરવાના કા માટે જરુરી જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરાશે અને રસ્તાનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરુ કરાશે. સાંસદ પૂનમબેન માડમની લેખિત તથા મૌખિક રજૂઆતોના પ્રયાસોને સફળતા મળી છે.
અતિ મહત્વના આ રસ્તાને મંજૂરી મળતા જામનગર પંથકના વિકાસને સુનિશ્ર્ચિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો સાંસદસભ્ય પૂનમબેન માડમએ આભાર વ્યક્ત કર્યો હતો.