ભાજપના પુર્વ પ્રવકતા નુપુર શર્માની પૈગંબર મોહમ્મદ વિરુદ્ધની અસ્વીકાર્ય ટીપ્પણીના એક ગંભીર પ્રત્યાઘાતમાં ગઈકાલે રાજસ્થાનના ઉદયપુરમાં નુપુર શર્માને સમર્થન આપતા એક સોશ્યલ મીડીયા પોષ્ટ કરનાર દરજી કનૈયાલાલની આઈએસઆઈએસ ત્રાસવાદી સ્ટાઈલથી ગળુ કાપીને હત્યા કરતા સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયા છે.
કનૈયાલાલની આ સોશ્યલ મીડીયા પોષ્ટ બદલ આ ક્રુર હત્યા અત્યંત આયોજનપૂર્વકનું ષડયંત્ર હોવાનું જાહેર થયું છે. ગઈકાલે દરજી કનૈયાલાલની દુકાનમાં જ કપડા સિવડાવવાના બહાને આવેલા બે કટ્ટરપંથીઓએ ગળુ કાપીને હત્યા કરી હતી અને આ ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી અપાઈ હતી. આ ઘટના બાદ ઉદેયપુર તથા રાજસ્થાનના અનેક શહેરોમાં અજંપાની સ્થિતિ બની ગઈ છે. આ ઘટનામાં પોલીસે બે આરોપી મોહમ્મદ રીયાઝ તથા તેના સાથી ગૌસ મોહમ્મદની ધરપકડ કરી હતી.
આ ઘટનાના પગલે ગઈકાલે ઉદયપુરમાં સાત પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં કર્ફયુનો અમલ લાદી દેવાયો અને પુરા રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે ઉદેયપુર ધસી ગઈ છે અને આ કેસમાં આઈએસઆઈએસ ત્રાસવાદી સંગઠનની સંડોવણીની શકયતા પણ તપાસી રહી છે.