જામનગર શહેરમાં વીજતંત્ર દ્વારા ચોમાસુ શરૂ થઇ ગયા બાદ પણ પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે અને ચાલુ સપ્તાહના સમયગાળા દરમિયાન સતત ત્રીજી વખત સાત કલાક માટે નો વીજકાપ ઝીંકવામાં આવતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
મળતી વિગત મુજબ, જામનગર પીજીવીસીએલના તંત્ર દ્વારા શહેરમાં સોમવારથી એક સપ્તાહ માટેનો વીજકાપ લાગુ કરાયો છે અને છેલ્લા દોઢ મહિનાથી વીજકાપ લાદવામાં આવી રહ્યો છે. સવારે સાત વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સતત સાત કલાક માટેનો વીજકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહી અગાઉ બે વખત થઈ ચૂક્યા પછી પણ ચાલુ સપ્તાહમાં સતત ત્રીજી વખત વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. જામનગરમાં ચોમાસુ શરૂ થઈ ગયું હોવા છતાં પણ વીજ તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ગત સપ્તાહે તેમજ 3 દિવસ પહેલાં જામનગર શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાના બનાવો બન્યા હતા અને વીજ તંત્રની પોલ ખુલી ગઈ હતી.
દરમ્યાન ચાલુ સપ્તાહે સોમવાર થી શનિવાર સુધી એક સપ્તાહ માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીથી વીજકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી વરસાદની સિઝનમાં વીજ તંત્રની કામગીરી કેટલી કારગત નીવડે છે કે પ્રજાએ ફરીથી વિજ કાપ સહન કરવા પડશે તે સવાલો ઉઠી રહ્યા છે. જો કે અત્યાર સુધીના ઈતિહાસમાં કયારેય પણ પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી બાદ ચોમાસામાં વરસાદ શરૂ થાય એટલે તરત જ વીજપૂરવઠો ખોરવાઈ જતો હોય છે. જેના કારણે પીજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી કેટલી અસરકાર હોય છે ? તે પ્રજા જાણે જ છે. પીજીવીસીએલ દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ લાખોનું આંધણ કર્યા પછી પણ વરસાદના બે છાંટા પડે અને વીજપૂરવઠો ખોરવાઈ જાય છે!!