Monday, December 23, 2024
Homeરાજ્યઓખામંડળમાં હાહાકાર મચાવતી બિચ્છુ ગેંગ સામે જિલ્લા પોલીસની કડક કાર્યવાહી

ઓખામંડળમાં હાહાકાર મચાવતી બિચ્છુ ગેંગ સામે જિલ્લા પોલીસની કડક કાર્યવાહી

12 શખ્સો સામે ગુજસીટોકની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો: 11 ની અટકાયત

- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના ઓખા, મીઠાપુર તથા દ્વારકા વિસ્તારમાં વસવાટ કરતા વેપારીઓ તથા સ્થાનિકોને પરેશાન કરી અને વિવિધ રીતે ગુનાઓ આચરવા સબબ બિચ્છુ ગેંગના સૂત્રધાર સહિત એકાદ ડઝન જેટલા શખ્સો સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે આકરું વલણ અખત્યાર કરી, ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં હાલ અગીયાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભેની કડક કાર્યવાહી અંતર્ગત દ્વારકા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં કેટલાક શખ્સો સ્થાનિકોને પરેશાન કરી અને તેઓ પાસેથી ખંડણી વસૂલવા તેમજ શરીર સંબંધિત ગુનાઓ આચરતા હોવા અંગેની પ્રાથમિક માહિતી સ્થાનિક સૂત્રો દ્વારા સાંપડી હતી. જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા આ સમગ્ર બાબતે વર્કઆઉટ કરી અને ખંભાળિયાના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્થાનિક પી.આઈ. જી.આર. ગઢવી સાથેની ટીમ બનાવી અને વિવિધ દિશાઓમાં તપાસ તથા આરોપીઓના સગળ મેળવવા અંગે છૂપી રીતે છેલ્લા દોઢેક માસથી કામગીરી કરવામાં આવી હતી.
આ અંગેની કાર્યવાહીમાં પોલીસ ટીમને જાણવા મળ્યું હતું કે છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમય થયા આ વિસ્તારમાં રહેતો લાલુભા સાજાભા સુમણીયા તથા વનરાજભા પાલાભા સુમણીયા નામના બે શખ્સોએ સિન્ડિકેટ બનાવીએને બિચ્છુ ગેંગને કાર્યરત કરી છે. આ શખ્સો સાથેની બિચ્છુ ગેંગ દ્વારા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રચી અને સ્થાનિક લોકોને વિવિધ રીતે ડરાવી-ધમકાવી, આ લોકો પાસેથી ગેરકાયદેસર ખંડણી વસૂલવા તેમજ ગેરકાયદેસર રીતે જુગાર-દારૂ જેવી અસામાજીક પ્રવૃત્તિઓ કરી અને ખૂનની કોશિશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી અને ઓખા, મીઠાપુર તથા દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. આવા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે લોકો પાસેથી આર્થિક લાભ મેળવી ગુના આચરતા હોવાથી પોલીસ દ્વારા ગુપ્ત રાહે આ કામગીરી અંતર્ગત આ સંદર્ભે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ 2015 ની કલમ મુજબ કુલ બાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટના ગુના સંદર્ભે પોલીસ દ્વારા રાંગાસર ગામના લાલુભા સાજાભા સુમણીયા, જગદીશભા હનુભા સુમણીયા, સાજાભા માનસંગભા સુમણીયા, રાજેશભા માલાભા સુમણીયા, નથુભા સાજભા સુમણીયા, માલાભા સાજાભા સુમણીયા, આરંભડા ગામના વનરાજભા પાલાભા સુમણીયા, હાજાભા પાલાભા સુમણીયા, મુળ ખતુંબાના હાલ આરંભડાના માપભા વીરાભા સુમણીયા, માનસંગભા ધાંધાભા માણેક, અને દ્વારકા તાલુકાના વસઇ ગામના કિશન ટપુભા માણેક નામના કુલ 12 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી કિશન ટપુભા માણેક  કે જેની સામે અગાઉ 307ની કલમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી, આ શખ્સ હાલ જેલમાં છે, તેની સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરી, તેનો કબજો મેળવવાની તજવીજ પણ કરવામાં આવી છે. અને હાલ 11 આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે.
આમ, બિચ્છુ ગેંગના ઉપરોક્ત આરોપી શખ્સો દ્વારા છેલ્લા ઘણા સમયથી ટોળકી બનાવી અને ત્રાસ ફેલાવી, પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવી ખંડણી વસૂલવા, તેમજ લોકોને માર મારી, તેનો વિડીયો ઉતારવા જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સબબ જિલ્લા પોલીસે આ શખ્સો સામે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું છે. આ પ્રકરણમાં આગામી સમયમાં ભોગ બનનાર વધુ કેટલાક આસામીઓ પોલીસ સમક્ષ આવે અને અન્ય કેટલાક શખ્સો પણ સંડોવાયેલા હોવાની સંભાવના વચ્ચે પોલીસ દ્વારા આવા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવી, એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પીએસઆઈ દેવમુરારી, એસ.વી. ગળચર, એફ.બી. ગગનીયા, પી.સી. સિંગરખીયા તેમજ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આગળની તપાસ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી ચલાવી રહ્યા છે.
જામનગર બાદ દ્વારકા જિલ્લામાં એસ.પી. પાંડેય દ્વારા ગુજસીટોકની નોંધપાત્ર કામગીરી
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની ગેંગ સામે નોંધપાત્ર કામગીરી કરનારા જામનગરના તત્કાલીન એ.એસ.પી. નિતેશ પાંડેય કે જેઓએ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યો છે, તેમના દ્વારા આ તદ્દન ગુપ્ત રહે અને નોંધપાત્ર કરવામાં આવેલી કામગીરીથી ઓખા મંડળના સ્થાનિકો તથા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular