દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકામાં કામ કરતા તમામ રોજમદાર કર્મચારીઓનો પગાર વધારો મંજૂર રાખવામાં આવતા આ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા રોજમદાર પગાર કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવતા ખંભાળિયા નગરપાલિકામાં પણ કર્મચારીઓના પગાર વધારો લાગુ કરવા માટે પાલિકાના સત્તાધીશો દ્વારા આ અંગે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી હતી. ખંભાળિયા નગરપાલિકામાં હાજર થયેલા વર્તમાન ઇન્ચાર્જ ચીફ ઓફિસર મેહુલ જોષીપુરાએ પણ રોજમદાર કર્મચારીઓના આ હક્ક અંગે લીલીઝંડી આપી અને સહી કરી દેતા પાલિકાના તમામ રોજમદાર કર્મચારીઓને દર મહિને રૂપિયા ત્રણેક હજાર જેટલો વધારો મળશે.
નગરપાલિકામાં કામ કરતા દોઢસોથી વધુ કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ મળતા આ કર્મચારીઓમાં દિવાળીનો માહોલ છવાઈ ગયો હતો અને આ કર્મચારીઓ એ એકબીજાના મોં મીઠા કરાવીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. હવેથી પાલિકાના કુશળ કર્મચારીઓને રોજિંદા 376 ના બદલે રૂપિયા 474, અર્ધ કુશળ રોજમદારને રૂ. 367 ને બદલે 461 તથા બિનકુશળને 360 ના બદલે 452 રૂપિયા હવે દૈનિક પગાર મળશે. આ પગાર વધારાથી નગરપાલિકાને વાર્ષિક આશરે રૂપિયા 50 લાખ જેટલો આર્થિક બોજ વધશે. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા રોજમદાર કર્મચારીઓને આ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.