મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારનું ભાવિ હવે ગૌહાટીમાં ઘડાશે. શિવસેના અને અપક્ષના કુલ 40 ધારાસભ્યોને સુરતથી આસામના ગૌહાટીમાં ખસેડવામાં આવ્યા છે. શિવસેનાના કોઇપણ નેતા સરળતાથી બળવાખોરો સુધી પહોંચી ન શકે તે માટે તેમને મુંબઇથી બહુ દૂર રાખવાની નીતિ અપનાવવામાં આવી છે. જયારે રાજકીય કટોકટીને પગલે ઉધ્ધવ ઠાકરેએ કેબિનેટની તાકિદની બેઠક બોલાવી છે. આ તમામ રાજકીય ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારી કરોના પોઝિટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના આ સમગ્ર રાજકીય પ્રકરણમાં હજુ સુધી ભાજપાએ પોતાના કોઇ પત્તાં ખોલ્યા નથી. એટલું જ નહીં સત્તાવાર રીતે પોતાની કોઇ ભૂમિકા પણ જાહેર કરી નથી.
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હવે ગુજરાતથી આસામ પહોંચ્યા છે. એકનાથ શિંદે સહિત 40 બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર ત્રણ બસ દ્વારા તેમને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અહીં એકનાથ શિંદેએ ફરી જણાવ્યું હતુ કે અમે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વને આગળ લઈ જઈશું. અગાઉ તેમણે સુરત એરપોર્ટ પર કહ્યું હતું કે અમે બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છોડ્યું નથી. હું ઈચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે મળીને સરકાર બનાવે. અમારી સાથે 40 ધારાસભ્યો ગુવાહાટી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 33 ધારાસભ્ય શિવસેનાના છે અને 7 ધારાસભ્ય અપક્ષના છે.
મહારાષ્ટ્રમાં રાજકિય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોવિડ સંક્રમિત થયા છે. તેમને હાલ HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોશ્યારીની તબિયત કેવી છે, તેમને કોવિડના ગંભીર અથવા સામાન્ય લક્ષણ છે કે નહીં તે વિશે કોઈની પાસે માહિતી નથી. મહારાષ્ટ્રમાં અત્યારે ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં દેખાય છે. તેમના મંત્રી એકનાથ શિંદ બળવાખોર બન્યા છે. તેમની સાથે શિવસેના અને અપક્ષના થઈને 40 ધારાસભ્યો છે. આ દરેક લોકો અત્યારે આસામના ગુવાહાટીમાં છે. મંગળવારે એકનાથે દાવો કર્યો હતો કે મારી સાથે 41 ધારાસભ્ય છે.