જામનગર શહેરમાં વાલસુરા રોડ પર છકડો રીક્ષાના ચાલકને કાવો મારવાની બાબતે સમજાવવા જતા શખ્સે યુવકને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડી ઈકબાલ ચોકમાં રહેતો મોહિત ચાવડા નામનો યુવક તેના મિત્ર સાથે બાઈક પર વાલસુરા રોડ પર જતો હતો ત્યારે એક છકડાચાલકે રોંગ સાઈડમાં આવીને કાવો મારતા બાઈકસવાર યુવકે છકડા ચાલકને સમજાવવા જતાં ઈરફાન અકબર નામના છકડાચાલકે ઉશ્કેરાઈને મોહિતને અપશબ્દો બોલી રીક્ષામાં પડેલા સ્ટીલના ગ્લાસ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત મોહિતના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.