જામનગરના એક પરિવારના સદસ્યો તાજેતરમાં મોટરકાર મારફતે દ્વારકા દર્શન કરીને પરત ફરતાં સર્જાયેલા કાર અકસ્માતમાં દસ વર્ષીય બાળાનું મોત નીપજ્યાના બનાવમાં કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કલ્યાણપુર આશરે 33 કિલોમીટર દૂર લીંબડી ચોકડીથી આગળ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જીજે-10-બીજી-2037 નંબરની અલ્ટો મોટરકાર કે જેમાં જામનગરથી દ્વારકા ફરી અને પરત જામનગર જતા પરિવારજનોની આ કારના અકસ્માતમાં અલ્ટો પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં જઈ રહેલી 10 વર્ષની તૃષા હરેશભાઈ પિઠીયા (રહે. હાલ જામનગર) નું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે આ બાળાના માતાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
આ સમગ્ર બનાવ અંગે કારચાલક અને મૃતક બાળકીના પિતા હરેશભાઈ દેવાણંદભાઈ પિઠીયા (રહે. હાલ જામનગર) સામે જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ધણેજ ગામના રહીશ મહેશભાઈ હરદાસભાઈ પિઠીયા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ 304 (એ), 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.