દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ભાણવડ તાલુકાના ચોખંડા ગામના એક શખ્સ પાસેથી રૂપિયા 500ના દરની જૂની ચલણી નોટો ઝડપી લેવાયા બાદ તેની તપાસમાં તેમના મિત્ર એવા ભાવપર ગામના એક શખ્સ પાસેથી વધુ કેટલીક જૂની ચલણી નોટો કબજે કરી છે. કુલ રૂપિયા 5.95 લાખની જૂની ચલણી નોટો રાખવા સબબ બન્ને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ કારેણાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા કાનાભાઈ અરજણભાઈ ભાટુ નામના 55 વર્ષિય આહિર શખ્સે ભારત સરકાર દ્વારા નોટબંધી વખતે ચલણમાંથી રદ કરેલી રૂપિયા 500 ના દરની 710 નંગ જૂની નોટો રાખવા સબબ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ શખ્સની પૂછપરછમાં અરજણભાઈના મિત્ર એવા પોરબંદર તાલુકાના ભાવપર ગામે રહેતા વાઘાભાઈ રાજાભાઈ ઓડેદરાના ચેકિંગમાં પણ તેની પાસે રહેલી 480 નંગ રૂપિયા 500ના દરની જૂની ચલણી નોટો મળી આવી હતી.
આથી પોલીસે બન્ને શખ્સો પાસેથી અનુક્રમે રૂા. 3,55,000 તથા રૂા. 2,40,000 મળી કુલ રૂપિયા 5,95,000 ની 1190 નંગ રદ થયેલી જૂની ચલણી નોટો કબ્જે કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા તથા સ્ટાફના ભીખાભાઈ ગાગીયા, રાજભા જાડેજા, ઈરફાનભાઈ ખીરા, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.