આજે યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ શહેરમાં ઢોરના આતંક અંગે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
ઢોરના માસ્ક પહેરીને આવેલા વિપક્ષી સભ્યોએ ટાઉનહોલના પટાંગણમાં રઝળતાં ઢોર શહેરીજનોને ઢીકે ચડાવી રહ્યાં હોવાનું નિર્દશન કરીને આ ગંભીર સમસ્યા મુદ્ે જામ્યુકોના સત્તાધિશોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્યસભામાં શહેરની રઝળતા ઢોરની ગંભીર બની ગયેલી સમસ્યા અંગે વિપક્ષી સભ્યોએ શાબ્દિક શિંગડા વિંઝયા હતાં. એટલું જ નહીં સત્તાધિશો પર ઢોરની સમસ્યાના ઉકેલની નિષ્ફળતાના ગંભીર આક્ષેપો કરી તડાપીટ બોલાવી હતી. વિપક્ષી નેતા આનંદ રાઠોડ, પૂર્વ નેતા અલ્તાફ ખફી, મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા, જેનબ ખફી વગેરેએ જામ્યુકોના તંત્રની નિષ્ફળતા અંગે આક્ષેપો કર્યા હતાં. તેમજ આ સમસ્યાનો ઉકેલ લાવવા માગણી કરી હતી. વિપક્ષ ઉપરાંત સત્તાપક્ષના કોર્પોરેટર નિલેષ કગથરાએ પણ તેમના વિસ્તારમાં ઘટેલી દુર્ઘટના અંગે અધિકારીઓની નિષ્ફળતા સામે આક્રોશ દર્શાવ્યો હતો. સામાન્ય સભામાં સભ્યો દ્વારા ઢોરની ઢીકથી મૃત્યુ પામેલા વૃધ્ધને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.