પાટીદાર સમાજના અગ્રીણ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે કેમ, થશે તો ક્યા પક્ષ સાથે જોડાશે તે મામલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી અટકળો પર અંત આવી ગયો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે તાલમેલ નહીં બેસતા અંતે પટેલે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. પત્રકાર પરિષદમાં આ અંગેની વિધીવત જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા રાજકારણમાં પ્રવેશની વિચારણા વખતે ખોડલધામની રાજકીય કમિટી દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં સમાજના વડીલોએ રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી જ્યારે મહિલા અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો. સુત્રોના કહેવા પ્રમાણે રાજકારણમાં પ્રવેશથી ખોડલધામની અને સમાજની સામાજિક પ્રવૃતિને અસર થઇ શકે તેવી વાતનો સ્વીકાર કરવાની સાથોસાથ રાજકીય પક્ષો સાથે પૂર્વ શરતમાં મેળ નહીં પડ્યો હોવાના કારણોસર પણ રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.