દેશના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે મેઘાલયના ચેરાપુંજીમાં છેલ્લા 24 કલાકમાં 811.6 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ વરસાદ 1995 પછી જૂન મહિનામાં પડેલો સૌથી વધુ વરસાદ છે તેમ ભારતીય હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે. ચેરાપુંજીથી દસ કિમી દૂર આવેલા મોસિનરામમાં પણ છેલ્લા 24 કલાકમાં 710.6 મિમી વરસાદ પડયો છે. જે જૂન, 1966 પછીનો સૌથી વધુ છે. ઉલ્લેખનિય છે કે ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ પડે છે. જૂનમાં એક જ દિવસમાં 750 મિમીથી વધારે વરસાદ પડયો હોય તેવું ઇતિહાસમાં ફક્ત દસ વખત જ જોવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે 16 જૂન, 1995ના રોજ ચેરાપુંજીમાં 1563 મિમી વરસાદ પડયો હતો. જયારે 15 જૂન, 1995ના રોજ 930 મિમી વરસાદ પડયો હતો. આ દરમિયાન આસામમાં પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતા સળંગ બીજા દિવસે ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી છે. ભારે વરસાદને કારણે ગુવાહાટીના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે.