જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ભીમવાસના ઢાળિયા પાસે આવેલી વાણંદની દુકાનમાં યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી. લાલપુર ગામમાં રહેતાં નિવૃત્ત વૃધ્ધનું બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ભીમવાસ ઢાળિયા પાસે આવેલી વાણંદની દુકાનમાં આજે સવારે હરીશ ભગવાનજીભાઈ માવદીયા (ઉ.વ.35) નામના યુવાને અગમ્યકારણોસર પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ યુવાનનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર ગામમાં પારેકબાગ વિસ્તારમાં રહેતાં ગોવિંદલાલ સામજીભાઈ રોજીવાડિયા (ઉ.વ.93) નામના પટેલ વૃધ્ધને છેલ્લાં 10 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી હતી દરમિયાન આજેસવારે તેના ઘરે કુદરતી હાજતે જતાં હતાં ત્યારે અચાનક ચકકર આવતા બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પરેશ દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.