જામનગર જિલ્લાના મેઘપરના વાડી વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં પોલીસે રેઈડ દરમિયાન 58,500 ની કિંમતની 117 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરી બે શખ્સોની શોધખોળ આરંભી હતી.
મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામના સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેકો ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.બી. રાણા, હેકો ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કો. રાજદીપસિંહ જાડેજા, કાનાભાઈ વશરા સહિતના સ્ટાફે કિશોરસિંહ રવુભા જાડેજાની માલિકીની જમીન મયુરસિંહ હેમંતસિંહ પિંગળ તથા ગીરીરાજસિંહ ભરતસિંહ પિંગળે ભાડે રાખી હતી. દરમિયાન આ વાડીની ઓરડીમાં બન્ને શખ્સો દ્વારા દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની જાણના આધારે પોલીસ કાફલો રેઈડ કરવા પહોંચ્યો ત્યારે બન્ને શખ્સો પોલીસને જોઇ પલાયન થઈ ગયા હતાં. બાદમાં પોલીસે ઓરડીની તલાસી લેતા તેમાંથી રૂા.58,500 ની કિંમતની 117 બોટલ દારૂ મળી આવતા કબ્જે કરી બન્ને શખ્સોની શોધખોળ આરંભી હતી.