જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર આવેલા ધનંજય પાર્કમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.94000 ની કિંમતની 188 બોટલ દારૂ અને રૂા.7,500 ની કિંમતના 75 નંગ ચપલા મળી કુલ રૂા.1,01,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના ખોડિયાર કોલોની પાસે આવેલા ન્યુ આરામ કોલોનીમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેડઈડ દરમિયાન રૂા.25,500 ની કિંમતની 51 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મજુબ, જામનગર શહેરમાં વિશાલ હોટલ પાછળ આવેલા ધનંજય પાર્કમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એએસઆઈ રાજશી ડુવાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ એન.એ. ચાવડા, આર.એલ. ઓડેદરા, એએસઆઈ આર.એમ. ડુવા, હેકો કેતનગીરી ગોસ્વામી, કુલદીપસિંહ જાડેજા, ફેજલભાઈ ચાવડા, જાવેદ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, પો.કો. વિજયભાઈ કાનાણી, ખીમશીભાઈ ડાંગર, વિજયભાઈ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ભરતસિંહ દેવુભા જાડેજાના રહેણાંક મકાનમાં તલાસી લેતા રેઈડ દરમિયાન રૂા.94000 ની કિંમતની 188 બોટલ દારૂ અને રૂા.7500 ની કિંમતના 75 નંગ ચપલા મળી કુલ રૂા.1,01,500 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ભરતસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, ખોડિયાર કોલોની ન્યુ આરામ કોલોની શેરી નં 2 માં રહેતાં શકિતસિંહ નવલસિંહ પરમારના મકાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.25500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 51 બોટલ મળી આવતા પોલીસે શકિતસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.