ઓનલાઇન સટ્ટા બાજીની જાહેરાતો પર સરકારે લગામ કસી છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી બહાર પાડી પ્રિન્ટ, ઇલેકટ્રોનિક અને ડિઝિટલ મિડિયાને આવા ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો પ્રસિધ્ધ કરવા કે દર્શાવવા સામે ચેતવણી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના ઓનલાઇન સટ્ટાની જાહેરાતો ભ્રામક છે અને ઉપભોકતા સંરક્ષણ અધિનિયમ કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ પ્રેસ કાઉન્સિલ અધિનિયમને અનુરૂપ નથી.ઓનલાઇન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતાં આ પ્રકારના પ્લેટફોર્મનની જાહેરાતો પ્રકાશિત નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ સુચના અને પ્રસારણ મંત્રાલયની 4 ડિસેમ્બર 2020ની ગાઇડલાઇનનો પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
છેલ્લાં કેટલાંક સમયથી યુવાઓ અને બાળકો જુદી-જુદી વેબસાઇટ અને મિડિયા પર આ પ્રકારની જાહેરાતો નિહાળે છે અને તેનાથી આકર્ષાયને સટ્ટાબાજીનો ભોગ બને છે. જોકે, જાહેરાતોમાં આ અંગે નાણાકિય જોખમની ચેતવણી આપવામાં આવે છે. પરંતું ઓડિયો વિઝયુઅલમાં તે ખુબ જ ઝડપથી બોલી જાવામાં આવે છે. જયારે પ્રિન્ટ મિડિયામાં ખુબ જ જીણાં અક્ષરે છાપવામાં આવે છે.