Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ઢોરાંતક : વૃધ્ધના મોત માટે જવાબદાર કોણ ?

જામનગરમાં ઢોરાંતક : વૃધ્ધના મોત માટે જવાબદાર કોણ ?

ચાંદીબજાર પાસે ઢોરની ઢીંકે વૃધ્ધના રામ રમી ગયા બાદ શહેરીજનોમાં જામ્યુકોના ઢોર તંત્ર સામે ભભૂકતો રોષ

- Advertisement -

જામનગર શહેરમાં ઢોરનો આતંક વધુ એક વખત જીવલેણ બન્યો છે. શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાં વાણિયાવાડ પાસે રહેતાં એક વૃધ્ધને તેમના ઘર પાસે જ રખડતાં ઢોરે ઢીંકે ચઢાવી ગંભીર ઇજા પહોંચાડતા આ વૃધ્ધના હોસ્પિટલમાં રામ રમી ગયા હતા. આ ઘટનાને લઇને શહેરમાં અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. જામ્યુકોના લાપરવાહ તંત્ર સામે લોકોમાં ભારે રોષ ધૂંધવાઇ રહ્યો છે. ત્યારે એવો પ્રશ્ર્ન ઉઠયો છે કે, ઢોરાંતકનો ભોગ બનેલાં વૃધ્ધના મોત માટે જવાબદાર કોણ ?

- Advertisement -

ઘટનાની વિગત મુજબ જામનગરમાં ચાંદીબજાર વાણિયાવાડ પાસે રહેતાં ભરતભાઈ જેઠાલાલ બોસમીયા નામના 65 વર્ષના વૃધ્ધ પોતાના ઘરેથી નિકળ્યાં બાદ ઘર નજીક પસાર થઇ રહયા હતા ત્યારે ત્યાં એક રઝળતાં ઢોરે તેઓને ઢીંકે ચઢાવ્યા હતા. પરિણામે નીચે પટકાયેલા વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને બે શુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં સારવાર મળે તે પહેલાં જ તબીબે આ વૃધ્ધને મૃત જાહેર કરતાં લોકોમાં અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે.

જામનગર શહેરમાં લાંબા સમયથી રઝળતાં ઢોરની સમસ્યા યથાવત છે. આ સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં જામ્યુકોનું તંત્ર સદંતર નિષ્ફળ રહયું છે. એટલું જ નહીં ઢોર જેવું જ સાબિત થયું છે. છેલ્લા ટૂંકા સમયમાં રઝળતાં ઢોર દ્વારા ઢીંકે ચઢાવવાની અનેક ઘટનાઓ શહેરમાં નોંધાઇ ચૂકી છે. રણજીત રોડ પર ચૌહાણ ફરી પાસે એક જ જગ્યાએ બબ્બે-બબ્ખેે વખત ઢોરે હડફેટે લેવાની ગંભીર ઘટના નોંધાઇ ચૂકી છે. આવી સ્થિતિમાં શહેરમાં દહેશતનો માહોલ છવાઇ ગયો છે. રસ્તે નિકળવું એટલે મોતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. ઢોરનો આંતક કાબુ બહાર હોવા છતાં જામ્યુકોના આ તંત્ર દ્વારા ઢોર પકડવાના અને કાર્યવાહી કરવાના માત્ર નાટકો જ કરવામાં આવે છે. જેની કોઇ અસર શહેરમાં ઢોરની સમસ્યા પર જણાતી નથી. કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ આ બાબતે જરા પણ ગંભીર હોય તેમ જણાતું નથી. એટલું જ નહીં છાશવારે જુદા-જુદા પ્રશ્ર્ને મોરચો માંડી ધરણાં પર બેસી જતો વિપક્ષ પણ રઝળતા ઢોરના મુદ્ે પાણીમાં બેસી ગયો હોય તેમ જણાઇ રહ્યું છે. ઢોરના આંતક મુદ્ે અવાજ ઉઠાવવા કે આંદોલન છેડવા માટે સત્તાપક્ષ કે વિપક્ષ બેમાંથી કોઇ તૈયાર નથી. બીજી તરફ શહેરની જુદી-જુદી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ મુદે ચૂપ છે.

- Advertisement -

લાપરવાહી માટે અધિકારીઓ-પદાધિકારીઓ સામે ફોજદારી કેમ નહીં ?

જામનગર શહેરમાંથી રઝળતાં ઢોરને દૂર કરવાની જવાબદારી અને ફરજ જામનગર મહાપાલિકાની છે. શહેરીજનોને સલામતી પૂરી પાડવી તે મહાપાલિકાની પ્રાથમિક ફરજો પૈકીની એક હોવા છતાં રઝળતાં ઢોરના મુદ્ે જામ્યુકોના અધિકારીઓ અને પદાધિકારીઓએ દાખવેલી ગંભીર ગુન્હાહિત બેદરકારીની કારણે સર્જાતી જીવલેણ ઘટનાઓ માટે અધિકારીઓ અને પદાધિકારીઓને પણ બેદરકાર ઢોર માલિક જેટલાં જ જવાબદાર ગણી તેમની સામે પણ ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઇએ. અન્યથા જામ્યુકોના ઢોર જેવા તંત્રને અને તેના તંત્રવાહકોને કોઇ અસર થાય તેમ જણાતું નથી.

- Advertisement -

કયાં છે પ્રજાના પ્રતિનિધિઓ ?

જામનગરમાં ઢોરનો આંતક કાબુ બહાર જઇ રહ્યો છે ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ નદારદ જણાઇ રહ્યા છે. એકાદ-બે કોર્પોરેટરને બાદ કરતાં કોઇ કોર્પોરેટર આ મુદ્ે આગળ આવ્યું નથી. એટલું જ નહીં લોકોના પ્રશ્ર્ને કોઇએ સામાન્ય વિરોધ પણ દર્શાવ્યો નથી. કોર્પોરેટર ઉપરાંત આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્વરિત કોઇ કાર્યવાહી કરવા તેમજ લાપરવાહ તંત્રનો કાન આમળવાની જવાબદારી જામનગર શહેરના બન્ને ધારાસભ્યોની પણ બને છે. રખડતાં ઢોર મુદ્ે શહેરના બે પૈકી એક પણ ધારાસભ્યએ આ મુદ્ે હજુ સુધી એક પણ નિવેદન આપ્યું નથી. તેમજ આ મુદ્ે તેઓ ગંભીર હોય તેવો અહેસાસ પણ લોકોને કરાવ્યો નથી. વાસ્તવમાં ધારાસભ્યની પણ ફરજ બને છે કે, જામ્યુકોના તંત્રને આ મુદ્ે નકકર આયોજન કરવા સલાહ આપવામાં આવે. તેમજ જામ્યુકોની કામગીરી પણ નજર રાખવામાં આવે તથા ઢોરના આંતકથી ભયગ્રસ્ત શહેરની જનતાને એક ભયમુકત વાતાવરણ પુરૂં પાડવામાં આવે.

કોર્પોેરેટરને પણ ગાંઠતા નથી અધિકારીઓ, વોર્ડ નં.9ના કોર્પોરેટરે કરી ફરિયાદ

શહેરમાં રખડતાં ઢોરના ત્રાસ અને જીવલેણ હુમલાઓ અંગે શહેરના વોર્ડ ન.9ના સત્તાપક્ષના કોર્પોરેટર નિલેશ કગથરાએ અનેક વખત રજુઆતો કરી હોવા છતાં તેમને પણ જામ્યુકોના અધિકારીઓ અને સંંબંધિત વિભાગો ગાંઠતા ન હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને કરી છે. કમિશનરને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, રખડતાં ઢોર બાબતે તંત્ર દ્વારા માત્ર આશ્ર્વાસન જ આપવામાં આવે છે. કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં તંત્ર દ્વારા જો કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની માહિતી માંગવા છતાં કોર્પોરેટરને આપવામાં આવતી નથી. ઢોર માલિકો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટે નાયબ કમિશનર વસ્તાણીને ટેલિફોનિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે શહેરમાં જાહેર સ્થળોએ રઝળતાં ઢોર સામે મોટાપાયે ઝુંબેશ ઉપાડી આવા ઢોરને દૂર કરવા તથા રઝળતા ઢોરના માલિક સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular