લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાનના મિત્રએ જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કરતા યુવાને મશ્કરી કરવાની ના પાડતા શખ્સે યુવાનના માથાના વાળ પકડી જમીન પર ઢસડીને લાકડી વડે માર માર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે રહેતા અને મજૂરીકામ કરતા રમેશ નામના યુવાનના મિત્ર ગરવા ભોજા ખાંભલા નામના શખ્સે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કરતાં યુવાને મસ્તી કરવાની ના પાડી હોવા છતાં શખ્સે ઢીકાપાટુનો માર મારી પછાડી દઇ રમેશના માથાના વાળ પકડી જમીન પર ઢસડીને ઈજા પહોંચાડી હતી તેમજ લાકડી વડે છાતીમાં તથા માથામાં માર માર્યો હતો. હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા ડીવાયએસપી જે.એસ.ચાવડા તથા સ્ટાફે ગરવા ખાંભલા નામના શખ્સ વિરુધ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.