હાલ ચોમાસાની ઋતુમાં દરિયામાં કરંટ તથા ગમે તે સમયે ખરાબ વાતાવરણ તેમજ વાવાઝોડાની સંભાવનાઓ હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને દરિયો ખેડવા તથા માછીમારી કરવા સામે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તેમ છતાં પણ કેટલાક માછીમારો આ નિયમનું ઉલ્લંઘન કરી અને દરિયામાં માછીમારી કરવા માટે જઈને પોતાના જીવ જોખમમાં મૂકતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા આ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાબેના સલાયા તથા વાડીનાર ઉપરાંત ઓખા મરીન વિસ્તારમાં આવેલા દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા ગયેલા જુદા-જુદા દસ આસામીઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા જાહેરનામાના તથા ફિશરીઝ એક્ટનો ભંગ કરવા સબબ ગુનો નોંધવામાં આવ્યો છે.
જે અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા ગામના અલી હુસેન ચમડિયા, હુસેન જુનસ ગંઢાર, આલી જુનસ ગંઢાર, વાડીનારના મુસા મહંમદ કકલ, ઓખામંડળના આસલમ નુરમામદ સુંભણીયા, ફિરોજ હાસમ પઠાણ, મુસા સત્તાર સુંભણીયા, આરીફ અબ્દુલ શેખ અને કરીમ ઓસમાણ ઇસ્બાની નામના કુલ દસ બોટના સંચાલકો સામે પોતાના અંગત આર્થિક લાભ માટે પોતાના તથા બોટમાં કામ કરતા ખલાસીઓના જીવ જોખમમાં મુકી, માછીમારી કરી- કરાવીને કાયદાનું ઉલ્લંઘન કર્યાનો ગુનો નોંધી આ અંગે કાર્યવાહી કરવા માટે ફિશરીઝ વિભાગને જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ, એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.ઈ. પી.સી. સીંગરખીયા, વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. પી.ડી. વાંદા તથા ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા કરવામાં આવી હતી.