રાજ્ય સરકારના પરિપત્રને અવગણીને જામનગર મહાપાલિકામાં નિવૃત્ત થતાં કર્મચારીએ ફરીથી કોન્ટ્રાકટ બેઇઝ પર નિમણૂંક આપવામાં આવતી હોવાની ફરિયાદ ખુદ ડે.મેયરે કરી છે. આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી મહાપાલિકા દ્વારા આપવામાં આવેલી ગરકાયદે નિમણૂંક તાકિદે રદ્ કરવાની માગણી કરી છે.
જામનગર મહાપાલિકાના ડે.મેયર તપન પરમારે રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર મહાપાલિકામાં નિવૃત્ત કર્મચારીઓને ફરી કોન્ટ્રાકટ બેઇઝ પર કમિશનરની નોંધ અને સ્ટે. કમિટીની મંજૂરીથી નિમણૂંક આપવામાં આવે છે. આ અંગે સરકારના પરિપત્રમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી પુન: નિયુક્તિ, કોન્ટ્રાકટ બેઇઝ, ફિકસ પગાર કે આઉટ સોર્સિંગથી નોકરી પર લેવા હોય તો સરકારની પૂર્વ મંજૂરી જરુરી છે. પૂર્વમંજૂરી મેળવ્યા બાદ જ આવી નિમણૂંક આપી શકાય. તેમ છતાં જામ્યુકો દ્વારા સરકારના આ પરિપત્રને અવગણીને નિવૃત્ત કર્મચારીઓને નિમણૂંકો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર મહાપાલિકામાં સરકારની પૂર્વમંજૂરી વગર જે કોઇપણ નિવૃત્ત અધિકારી કે કર્મચારીની કોન્ટ્રાકટ બેઇઝ પર નિમણૂંક આપવામાં આવી છે. તે તમામ નિમણૂંકો રદ્ કરવી જોઇએ. આ અંગે રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.