મ્યુ. કમિશનર વિજય ખરાડીએ ગઇકાલે જામનગરના રણમલ તળાવમાં પાણી ઠાલવતાં સ્ત્રોતનું નિરિક્ષણ કર્યું હતું. દરેડ પાસે રંગમતિ નદીમાંથી શરુ થઇને તળાવ સુધી પહોંચતી ફિડીંગ કેનાલની કમિશનર તેમજ જામ્યુકોના અધિકારીઓએ નિરિક્ષણ કર્યું હતું. તળાવમાં વરસાદી પાણી ઠાલવતાં આ માર્ગના તમામ અવરોધો દૂર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ વરસાદી પાણી સરળતાથી તળાવ સુધી પહોંચે તે માટે કેનાલની સંપૂર્ણ સફાઇ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. રણમલ તળાવની ફિડીંગ કેનાલ જ્યાંથી શરુ થાય છે તે ખોડિયાર મંદિર પાસેના ચેકડેમનું પણ તેમણે નિરિક્ષણ કર્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીને લઇને મ્યુ. કમિશનર એક્ટિવ જણાય રહ્યાં છે. તો બીજીતરફ કોર્પોરેટરો દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી સાવ ગોકળગાયની ગતિએ અને યોગ્ય રીતે થતી ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને નવાગામ ઘેડ અને રામેશ્ર્વરનગર વિસ્તારમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કેનાલ હજૂ પણ કચરાથી ખદબદી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મ્યુ. કમિશનર અત્યાર સુધીમાં ત્રણ વખત રંગમતિ નદીનું પણ નિરિક્ષણ કરી આવ્યા છે. નદીમાં આવેલા પૂરને કારણે ગતવર્ષે સર્જાયેલી પરિસ્થિતિ આ વર્ષે નિર્માણ ન પામે તે માટે નદીની સફાઇ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ આ નદીની સફાઇ કેટલી હદે થાય છે તેના પર આગામી ચોમાસામાં શહેરમાં ઉભી થનારી સ્થિતિનો આધાર રહેલો છે.