આજે સવારે 9 વાગ્યાથી દ્વિ-વાર્ષિક રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 16 બેઠકો પર હાર-જીતનો મુકાબલો થશે. 15 રાજ્યોની કુલ 57 રાજ્યસભા બેઠકોમાંથી 41 બેઠકો પર બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બાકીની 16 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે કારણ કે, બેઠકોની સરખામણીએ ઉમેદવારોની સંખ્યા વધારે છે.
મહારાષ્ટ્રની 6, રાજસ્થાન અને કર્ણાટકની 4-4 તથા હરિયાણાની 2 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં પાર્ટીઓને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના તમામ 11, તમિલનાડુના 6, બિહારના 5, આંધ્ર પ્રદેશના 4, મધ્ય પ્રદેશ અને ઓડિશાના 3-3, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા તથા ઝારખંડના 2-2 અને ઉત્તરાખંડના 1 ઉમેદવાર કોઈ પણ પ્રકારની ચૂંટણી વગર જ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. તેમાં સૌથી વધારે 14 ભાજપના, કોંગ્રેસ અને વાયએસઆર કોંગ્રેસના 4-4 ઉમેદવારો છે. ડીએમકે તથા બીજેડીના 3-3, આમ આદમી પાર્ટી, રાજદ, ટીઆરએસ, અન્નાદ્રમુકના 2-2, ઝામુમો, જેડીયુ, સપા અને રાલોદના 1-1 નેતા તથા અપક્ષ કપિલ સિબ્બલ નિર્વિરોધ ચૂંટાયેલા સદસ્યોમાં સામેલ છે.