ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર અને જામનગરનું ગૌરવ એવા રવિન્દ્ર જાડેજા તથા રિવાબા જાડેજાની પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસની ગઇકાલે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નિધ્યાનાબાના પાંચમા જન્મદિન નિમિત્તે સર્વે જ્ઞાતિની 101 દિકરીઓના પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવી ખાતા દીઠ રૂા.11000ની ડિપોઝિટ પણ જમા કરાવી હતી. આ ઉપરાંત જે દિકરીઓના નામે ખાતા ખોલાવ્યા હતાં તેમના અને તેમના માતા-પિતા માટે રાત્રીના ફનફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઇકાલે રાત્રે યોજાયેલી નિધ્યાનાબાના જન્મદિવસની કાર્નિવલ પાર્ટીમાં નિધ્યાનાબાએ વિકટોરીયા ગાડીમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. નિધ્યાનાબા આકર્ષક પિન્ક કલરના ડ્રેસમાં તો પિતા રવિન્દ્ર જાડેજા ગ્રાઉન્ડ કેપ સાથે બર્થ-ડે સેલિબ્રેશન કરતાં જોવા મળ્યા હતાં. નિધ્યાનાબાએ પિતા રવિન્દ્ર જાડેજા, માતા રિવાબા સાથે સમગ્ર પરિવાર સાથે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો હતો.
રિવાબા જાડેજા દ્વારા જન્મદિવસ તેમજ લગ્ન વર્ષગાંઠની સામાજિક સેવા દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગઇકાલે દિકરી નિધ્યાનાબાના પાંચમા જન્મદિવસ નિમિત્તે સર્વેજ્ઞાતિની 101 દિકરીઓના પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવ્યા હતાં અને ખાતા દીઠ રૂા. 11000 મળી કુલ રૂા. 11,11,000 તમામ દિકરીઓના ખાતામાં જમા કરાવ્યા હતાં. આ અંગે રિવાબાએ જણવ્યું હતું કે, દિકરીનો જન્મદિવસ યાદગાર બની રહે તે માટે આ પ્રકારે ઉજવણીનું આયોજન કર્યું છે. આ વખતે લાંબા સમય સુધી દિકરી અને તેના પરિવારજનોને આ યોજનાનો લાભ મળે તે માટે ત્રણ થી છ વર્ષની દિકરીઓના ખાતા ખોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જે દિકરીઓના નામે ખાતા ખોલવામાં આવ્યા હતાં. તેમના અને તેમના માતા-પિતા માટે રાત્રે ફનફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.