જામનગરમાં સગીત યુવતીને લગ્નની લાલચ આપી અપહરણના કેસમાં જામનગર પોકસો કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ભોગ બનનાર ફરિયાદીએ 1/4/2022 ના રોજ જામનગર સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મહમદ અમીન સફિયાએ ફરિયાદીને ફોન કરી ફરવા જવું છું તેમ કહી બહાર બોલાવી હતી. આથી ફરિયાદી તથા તેની મિત્ર છાત્રાલયમાંથી બહાર ફરવા ગયા હતાં અને મોડી રાત્રે પરત ફરતા હતાં ત્યારે આરોપી મહમદ અમીન સફિયાએ ફરિયાદી સાથે અભદ્ર વર્તન કર્યુ હોવાની ફરિયાદી આપી હતી.
જામનગર સિટી સી ડીવીઝન દ્વારા આઈપીસી કલમ 363, 366 તથા પોકસો એકટની કલમ 4,6,8 તથા 18 મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનાના અનુસંધાને આરોપી મહમદ અમીન સફિયાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ઉભય પક્ષની દલીલો સાંભળી જામનગરના એડી. સેશન્સ જજ દ્વારા આરોપી મહમદ અમીન સફિયાને જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ અશોક એચ. જોશી રોકાયા હતાં.