જામનગરની મહિલા અને રાજકોટના એક શખ્સે હરિદ્વારમાં ભાગવત કથાના નામે પોથી પધરાવવા માટે અનેક લોકો પાસેથી 3100 ની પહોંચ આપી નાણાં ખંખેરી લીધાની અનેક લોકો દ્વારા પોલીસવડાને રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કેટલાંક લોકોએ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હરિદ્વારમાં ભાગવત કથા અને પોથી પધરામણીના બહાને પોતાની પાસેથી 3100 રૂપિયા લેખે નાણાં પડાવી લેવા અંગે જામનગરની મહિલા અને રાજકોટના એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણ મહિના દરમિયાન જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતી ભાનુબેન નામની એક મહિલા દ્વારા રાજકોટના એક શખ્સની મદદથી હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથાના નામ પહોંચ બુક છપાવી હતી અને પ્રત્યેક ધર્મ પ્રેમી લોકો પાસેથી પોથીના નામે 3100 રૂપિયાનું ઉઘરાણું કરીને તેની પહોંચ અપાઈ હતી. સાથોસાથ જામનગર થી 9 જૂનના દિવસે હરિદ્વારની ટે્રન બુક કરાઈ છે જેમાં તમામનું બુકિંગ કરાવી દેવાયું છે તેવું પણ પ્રલોભન અપાયું હતું.
આખરે યાત્રાળુઓ દ્વારા તપાસ કરાવતા 9 જૂનના દિવસે જામનગરથી હરિદ્વારની કોઇ ટે્રન ઉપડતી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેમજ નાણાં ઉઘરાવનાર મહિલા ભાનુબેન મકાનને તાળુ લાગી ગયું છે. તેમજ મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે. જેથી છેતરાયા હોવાનું જણાતા 100 થી વધુ લોકો જિલ્લા પોલીસવડાની કચેરી એ પહોંચ્યા હતાં. અને પહોંચ રજૂ કરીને ફ્રોડ કરનાર મહિલા અને તેની સાથેના જે કોઇ પણ વ્યકિત હોય તેઓ સામે કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરી હતી. જે રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા પોલીસવડા દ્વારા તપાસના આદેશ કરાયો છે અને જામનગરની પોલીસ ટીમ તપાસ ચલાવાઈ રહી છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા એક હજારથી પણ વધુ નાગરિકો પાસેથી આવી રીતે નાણાં ખંખેરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા ભોગ બનનાર વ્યકિતઓનાના નિવેદનોનો નોંધવાનું શરૂ કરાયુ છે.


