માર્ચ-2022માં લેવાયેલ ધો. 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લાનું 69.68 ટકા પરિણામ જાહેર થયું છે. જામનગરની સનસાઇન સ્કૂલે દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા જાળવી રાખતાં ધો. 10માં ઝળહળતી સિધ્ધિ મેળવી છે. સનસાઇન સ્કૂલનું 95 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ત્રણ વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ સાથે ઉર્તિણ થઇ શાળા તેમજ તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ડો. વિમલભાઇ કગથરા, કાસુન્દ્રાભાઇ, કાનાણીભાઇ સહિતના શિક્ષકોનું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનત થકી આ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. શાળામાં નિયમિત ટેસ્ટ તેમજ રિવિઝન અને પુરતુ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને આત્મ વિશ્ર્વાસ વધારી ઉચ્ચ પરિણામ મેળવ્યું છે.
શિક્ષક પિતાની પુત્રીએ મેળવ્યા 99.65 પીઆર
સનસાઇન સ્કૂલમાં અભ્યાસ કરતી કળસરીયા કાજલએ ધો. 10ની બોર્ડની પરીક્ષામાં 99.65 પીઆર મેળવ્યા છે. તેમજ 94.11 ટકા મેળવ્યા છે. મોરના ઇંડા ચિતરવા ન પડે તે કહેવતને યથાર્થ કરતાં શિક્ષક પિતા ભોળાભાઇ તથા ગૃહિણી માતા સોનલબેનની પુત્રીએ ગણિતમાં 98, વિજ્ઞાનમાં 98 તથા સામાજિક વિજ્ઞાનમાં 97 ગુણ સાથે ઉચ્ચ ટકાવારી મેળવી છે. દરરોજ સાતથી આઠ કલાક વાંચન કરી ઉચ્ચ સફળતા મેળવનાર કાજલે સફળતાનો શ્રેય શાળાના શિક્ષકોને આપ્યો હતો. શાળામાં કરાવવામાં આવતો નિયમિત અભ્યાસ અને માર્ગદર્શન થકી આ સફળતા મેળવી હોવાનું તેણે જણાવ્યું હતું. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની ઇચ્છા દર્શાવી હતી. રમત-ગમતમાં રૂચિ ધરાવતી કાજલ અભ્યાસ બાદ ડ્રોઇંગ, પેઇન્ટીંગ તેમજ સ્પોર્ટસ રમતો રમતી હોવાનું જણાવ્યું હતું.
98.53 પીઆર મેળવનાર બ્રિજને આઇટી એન્જિનિયર થવાની મહેચ્છા
સનસાઇન સકૂલના વિદ્યાર્થી ફેફર બ્રિજએ ધો. 10માં 98.53 પીઆર સાથે 90.67 ટકા મેળવ્યા છે. બ્રાસપાર્ટસના વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદભાઇ તથા ગૃહિણી હંસાબેનના પુત્ર બ્રિજને આઇટી એન્જિનિયર થવાની ઇચ્છા દર્શાવી હતી. તેણે ગણિતમાં 98, વિજ્ઞાનમાં 96 તથા સામાજિક વિજ્ઞાનમાં 86 તથા અંગ્રેજીમાં 92 ગુણ મેળવ્યા છે. ધો. 10માં આવ્યા બાદ શરુઆતમાં 3થી 4 કલાક વાંચન અને ત્યારબાદ સાતથી આઠ કલાક વાંચન કરતો હોવાનું તેણે જણાવ્યું હતું. તેમજ વાંચન બાદ માઇન્ડ ફ્રેશ કરવા માટે ગીતો સાંભળતો હોવાનું પણ જણાવ્યું હતું. તેની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકોને આપતાં જણાવ્યું હતું કે, શાળામાં નિયમિત લેવાતી ટેસ્ટ તેમજ શિક્ષકોનું પુરતુ માર્ગદર્શન અને રિવિઝન પધ્ધતિ સફળતા માટે ખૂબ જ મદદરુપ થઇ હતી.
એ-1 ગ્રેડ મેળવનાર ભંડેરી નિતને એમબીબીએસ થવાની ઇચ્છા
ધો. 10ના પરિણામમાં સનસાઇન સ્કૂલમાં અભ્યાસ કરતાં ભંડેરી નિતે 98.46 પીઆર તથા 90.5 ટકા મેળવી શાળા તથા તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે. બ્રાસપાર્ટસ વ્યસાય સાથે સંકળાયેલા ભાવેશભાઇ ભંડેરી તથા ગૃહિણી માતા મમતાબેનના પુત્ર નિતે ગણિતમાં 95, વિજ્ઞાનમાં 94 તથા સામાજિક વિજ્ઞાન 93 ગુણ સાથે એ-1 ગ્રેડ મેળવ્યો છે. એ-1 ગ્રેડ સાથે ઉર્તિણ થનાર નિતને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી એમબીબીએસ થવાની ઇચ્છા દર્શાવી હતી. તેણે શરુઆતમાં ત્રણ કલાક અને ત્યારબાદ પરીક્ષા નજીક આવતાં સાતથી આઠ કલાક વાંચન કરતો હોવાનું જણાવ્યું હતું.