ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવામાં આવેલી ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનુ પરીણામ લાંબા સમયના ઇન્તજાર બાદ આજરોજ સવારે જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં બોર્ડનું પરિણામ કુલ 86.91 ટકા આવ્યું છે.
દ્વારકા જિલ્લો જામનગરમાંથી અલગ થયાના છેલ્લા આઠ વર્ષમાં પ્રથમ વખત ધોરણ 12 માં સામાન્ય પ્રવાહ વિભાગમાં નોંધપાત્ર એવું 91.19 ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. આ ઉચ્ચ પરિણામ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જે અગાઉ 13મા ક્રમે હતો, તે હવે આ વર્ષે નવમા ક્રમે આવ્યો છે. જિલ્લાના કુલ 3271 વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ, 334 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ, 835 વિદ્યાર્થીઓ બી-1 ગ્રેડ અને 878 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ હાંસલ કર્યો છે.દ્વારકા જિલ્લાની અનેક શાળાઓનું પરિણામ 90 થી 100 ટકા સુધી આવ્યું છે. જેમાં કુહાડિયા સ્થિત આદર્શ નિવાસી શાળા (વી.જા.) અને વિરમદળ જ્ઞાન જ્યોત શાળા ઉપરાંત ડ્રીમ લાઈનનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે કે.આર. ગોકાણી શાળાનું પરિણામ 93 ટકા આવ્યું છે. દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ. વાઢેર તથા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા સહિતના જિલ્લાના શિક્ષણ સ્ટાફની જહેમતથી આ જિલ્લાના પરિણામમાં નોંધપાત્ર સુધારો અને સમગ્ર રાજ્યમાં ઉજળો દેખાવ રહ્યો છે. જે બદલ તેમના દ્વારા શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.