ગુજરાતની એક યુવતિ અનોખા લગ્ન કરવા જઇ રહી છે. આ લગ્નની ખાસિયત એ છે કે, લગ્નમાં કોઇ મુરતિયો કે જાનૈયા નહીં હોય. યુવતિ એકલી પોતાની જાત સાથે લગ્ન કરશે. તમામ રિત રિવાજો મુજબ આ યુવતિ સાત ફેરા પણ ફરશે, માંગમાં સિંદૂર પણ લગાવશે અને હનીમુન પર પણ જશે ! 11મી જૂને યોજાનારા આ લગ્ન માટે યુવતિએ તમામ તૈયારીઓ કરી લીધી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર વડોદરા વિસ્તારની ક્ષમાબિન્દુ નામની ગુજરાતી યુવતિ આશ્ર્ચર્યજનક અને યુનિક લગ્ન કરશે. રિપોર્ટ અનુસાર 11 જૂને યુવતિ લગ્ન કરશે. જે માટે તેણીએ તેના લગ્નના કપડાં, પાર્લર અને જવેલરી પણ બુક કરાવી લીધા છે. આ લગ્નની ખાસ વાત એ છે કે, લગ્નમાં કોઇ મુરતિયો નહીં હોય વાસ્તવમાં ક્ષમા કોઇ અન્ય સાથે નહીં પોતાની સાથે જ લગ્ન કરશે. ગુજરાતમાં સંભવત: આ પ્રકારના પહેલા લગ્ન હશે.
રિપોર્ટ અનુસાર યુવતિ કયારેય લગ્ન કરવા ઇચ્છતી ન હતી. પરંતુ દુલ્હન બનવાનું તેનું સ્વપ્ન હતું જેને સાકાર કરવા તેણીએ પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. ક્ષમાએ આ લગ્ન અંગે જણાવ્યું છે કે, તે એક અનોખું ઉદાહરણ સ્થાપિત કરશે. 11 જૂને મંદિરમાં જઇને તે લગ્ન કરશે અને ત્યારબાદ હનીમુન પણ જશે.