Sunday, December 7, 2025
Homeરાજ્યભાણવડના લૂંટ પ્રકરણ સંદર્ભે ફરિયાદી સામે લૂંટનું તરકટ રચવા સબબ ગુનો

ભાણવડના લૂંટ પ્રકરણ સંદર્ભે ફરિયાદી સામે લૂંટનું તરકટ રચવા સબબ ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પેટ્રોલ પંપ ધરાવતા એક આસામીની રોકડ રકમ લૂંટ થવાના પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળતા આ સંદર્ભે પોલીસે પેટ્રોલ પંપ સંચાલકના પુત્ર એવા આ શખ્સ તથા તેના મળતિયાઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

ભાણવડ પંથક સાથે સમગ્ર જિલ્લામાં અતિ ચકચારી બનેલા આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ગત સોમવાર તારીખ 30મીના રોજ ભાણવડ વિસ્તારમાં પેટ્રોલ પમ્પ ધરાવતા અને રાજકીય અગ્રણી ગિરધરભાઈ વાઘેલાના પુત્ર પૃથ્વીરાજ વાઘેલા પોતાની સ્વીફ્ટ મોટરકાર લઈને નીકળતા ચાર પાટીયા પાસે બાઇકમાં ધસી આવેલા બુકાનીધારી ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની મોટરકારને અટકાવી, વેરાવળ ખાતે આંગડિયા પેઢીમાં જમા કરાવવા માટે લઈ જવામાં આવતી રૂપિયા નવ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી અને મોટરકારની ચાવી લઈને નાસી ગયો હોવા અંગેની જાણ પોલીસને કરાઈ હતી.

જેના અનુસંધાને સ્થાનિક પોલીસ સાથે એલ.સી.બી., ડીવાયએસપી, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા લૂંટારાઓની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાકાબંધી તેમ જ સીસીટીવી ફૂટેજ વિગેરે અંગેની કાર્યવાહી છતાં પણ લૂંટારાઓના કોઈપણ પ્રકારના સગડ ન મળતા પોલીસને ઉપજેલી શંકાના આધારે ફરિયાદી પૃથ્વીરાજ વાઘેલાની આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા આ શખ્સ ભાંગી પડયો હતો અને તેણે ઉપરોક્ત રોકડ રકમ ગુપચાવી લેવા માટે લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. આ રકમ તેણે પોતાના મિત્રને આપી દીધી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે જે-તે સમયે પોલીસે ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં રહેતા 24 વર્ષિય પૃથ્વીરાજ ગિરધરભાઈ વાઘેલા સામે નિવેદન નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ સાથે પોલીસે રૂપિયા નવ લાખની રોકડ રકમ તેમજ રૂપિયા બે લાખની કિંમતની મોટરકાર કબજે લઇ અને તાકીદની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે ભાણવડના તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા કોર્ટ પાસે પરવાનગી માંગતા તેમને કોર્ટની મંજૂરી સાંપડી છે. હવે આ અંગેની ફરિયાદ સહિતની કાર્યવાહી તેમજ આરોપીની અટકાયત વિગેરે અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ તપાસનીશ અધિકારી નિકુંજ જોશીએ જણાવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ જિલ્લાભરમાં તેમજ રાજકીય વર્તુળો અને પોલીસ બેડામાં ભારે ચર્ચાસ્પદ બની ગયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular