મહિલા અને બાળકલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારીતા (અ.જા.ક.) રાજ્યમંત્રી મનીષાબેન વકીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. મંત્રીએ જિલ્લાની જનરલ હોસ્પિટલ – ખંભાળિયા ખાતે કાર્યરત થયેલ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને મહિનામાં કેટલા કેસ આવે છે ? ક્યાં પ્રકારના કેસ આવે છે? કર્મચારીઓ કઈ રીતના કાઉન્સેલિંગ કરે છે તે તમામ મુદ્દે ઊંડાણપૂર્વક સમજણ મેળવી હતી. તમામ કેસમાં બંને પક્ષને સાથે બેસાડી સમાધાન કરાવવા અંગે પણ સૂચના આપી હતી.
આ તકે જિલ્લા કલેકટરએ સખી વન સ્ટોપ સેન્ટરની જિલ્લામાં કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જયારે જૂની મામલતદાર કચેરી ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત હતું ત્યારે વર્ષ દરમિયાન 400 જેટલા કેસ આવતા હતા. હાલમાં મહિનાના 15 જેટલા કેસ આવી રહ્યા છે. મંત્રીએ નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરના બિલ્ડીંગ, સ્વચ્છતા અંગે વખાણ કર્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર એમ.એ.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, સમાજ કલ્યાણ અધિકારી ધ્રાંગુ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રદ્ધાબેન ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.